એક નવી દ્રષ્ટિ, નવી સોચ અને એક નવા અભિગમ સાથે ડર્યા વગર, હિંમત હાર્યા વગર, ફરીથી ઉભા થઈશું …ક્યોંકી...હમ હૈ હિન્દુસ્તાની.
EFFECTS OF LOCKDOWN - COVID 19
આજે વાત કરવી છે કોરોના- Covid 19 વાયરસની. ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ આ વાયરસે આખી દુનિયાને ભયભીત કરી નાખી છે. ભારત સમેત આખી દુનિયાનો કોરોના વાયરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાના લોકો તેનાથી પ્રભાવિત છે. અને હજારો લોકોના મૃત્યુ થઇ ગયા છે. લાગે છે આપણે એક તદન અજાણ્યા સમયમાં જીવી રહ્યા છીએ. રોજ મરણના આંકડા વધ્યા કરે છે. મોટા- મોટા સત્તાધીશો માત્ર ‘મરણ ના મુકાદમો’ (account of death) હોય એમ આંકડા બોલ્યા કરે છે. કદાચ એની અંદર એક દુઃખ અને પીડાનો દરિયો ખળભળાટતો હશે પણ આપણે વિશ્વનાગરિક તરીકે એટલા હેબતાઈ ગયા છીએ કે “મૃત્યુનાં જળ આગળ વધી રહ્યા હોય એવું સંવેદન અનુભવી રહ્યા છીએ.” કદાચ સંવેદનાનું આ નવું સ્વરૂપ હશે, કદાચ આ સુકાયેલા આંસુઓનું માનવ પ્રત્યાય હશે. આલ્બેર કામ્યુંનાં એ દર્દનાક વાક્યો…એ લખે છે, “આહ ! આ ખાલી ધરતીકંપ હોત તો કેટલું સારું ! એક વ્યક્તિ મરણ પામેલાઓને ગણે અને બીજો જીવતાઓને ગણે…અને વાત પતી જાય પણ આ વાયરસ મહાબિહામણો રોગ…..કેવો છે, ? જેમને આ રોગ થયો નથી…..એમને પણ એ થયેલો હોય એવો ભય છે…..”. આ સમય એ મનુષ્ય ચેતનાએ અનુભવેલી તીવ્રતમ વેદનાનો સમય છે.
એક આધુનિક વિશ્વમાનવી તરીકે હું એક નવા પ્રકારની નિ:સહાયતા અનુભવી રહી છું. આ જગતને ઓળખવું મુશ્કેલ થઇ રહ્યું છે. ઘરની બહાર ડોકિયું કરો તો અચરજ જરૂર થશે. કે આપણે શાંત સમાજના પ્રદૂષણ રહિત વાતાવરણનો, રાહતનો અનુભવ પણ કરી રહ્યા છીએ. જયારે હજારો વિમાનોની આવનજાવનથી આકાશના કાન ફાટી જતા હતા, તે એરપોર્ટ એકદમ શાંત પડ્યા છે. રસ્તાઓ પોતાના ઉપરનો ભાર ઓછો થયો છે જાણી જરીક પોરો ખાય રહ્યા છે. ચાર રસ્તા પરની સતત ગતિવિધિ સત્બ્ધ થઇ ગઈ છે. એ સુમસામ રસ્તા પર એક નજર તો કરો, જેને ક્રોસ કરતી વખતે કેટલી વાર આપણી ધડકન તેજ થઇ હશે, ત્યાં આજે દોડી જવાય છે. ટ્રેનો-બસો કશોક ક્લોરાફોર્મ સુંધીને ઊંધી ગઈ હોય તેવું લાગે છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સમાધિમાં પાછા ફર્યા છે. મોલ, સિનેમાધર જાણે માસ્ક પહેરી નિસ્તેજ ઊભા છે. બગીચામાં ફુલો આજે બોલકા થયા છે. પહેલીવાર નગરના ચૌક, એ મેદાન માંગણ જેવા લાગે છે. નિશાળો, કોલેજ, ધંધા, ઓફીસો નો ખળભળાટ, કિકિયારી, યારી-દોસ્તી-દુશ્મની બધું જ આજે ચાર દીવાલોમાં વિશ્વવિષાણુંના ભયથી બંધ છે. આપણે કોક આવા ભયભર્યા સમયમાં ભળી રહ્યા છીએ. લાગે છે આપણે એક બોગદામાં છીએ અને ટ્રાફિક જામ છે અને બોગદાની દીવાલો ચૂવે છે, ક્યાંય બોગદાના અંતનો અણસાર દેખાતો નથી, આવા અજવાળાને શોધવા આપણી આખો તરસે છે અને કશુંક સાંભળવા માટે આપણા કાન ઝૂરી રહ્યા છે. કોઈ અણધારી આપત્તિ આવે તો તમારી પાસે એનો સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. દરેક ના મન અશાંત છે. અસલામતીના ધનધોર વાદળોથી આકાશ છવાઈ ગયું છે.
Comments