આ દુનિયાની દરેક વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય છે. પણ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાનો એક લક્ષ્ય, એક ઉદેશ્ય નક્કી કરી રાખવો જરૂરી છે. આપણે જીવનમાં શું કરવા ઈચ્છીએ છીએ? શું કરવા માંગીએ છીએ? પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દૃઢ સંકલ્પ સાથે મંડી પડવું જોઈએ. મનમાં એક પાકો વિશ્વાસ લઈને નિરંતર લક્ષ્યની પ્રાપ્તિની ધુન સવાર રહે તેમ કરવુ જોઈએ. પરંતુ આજના માનવીની મોટી તકલીફ એ છે કે, તે કાંઈ ધારતો જ નથી કે કોઈ લક્ષ્ય સેવતો જ નથી અને સફળતાની દોટ મુકે છે અને જેનું પરિણામ નિષ્ફળતા આવે છે.
નિષ્ફળતા, મિત્રો આજે હું આપણી સમક્ષ એક એવા વિષય સાથે આવી છું કે જેના વિષે આપણે આજકાલ ન્યુઝપેપર, ટીવી વગેરેમાં જોતા હોઈએ છે કે કોઈપણ વ્યક્તિને જોઈતુ પરિણામ કે જોઈતી સફળતા ન મળવાથી આત્મહત્યા જેવા કઠીન નિર્ણયો લે છે જે લેવાની જરૂર નથી. પરંતુ મિત્રો ક્યારેય પણ મહેનત કરવાથી પાછુ હટી જવું કે આત્મહત્યા કરી લેવી એ કોઈપણ સમસ્યાનું પરિણામ કે સમસ્યા હલ કરવાનો રસ્તો નથી. પણ સાચા અર્થમાં પોતાનો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. કેમ કે સફળતા ક્યારેય નિષ્ફળ ન જવામાં નથી પણ સફળતા ઘણી બધી વખત નિષ્ફળ થયા છતાં હાર ન માનવામાં છે. પરંતુ મારું માનવું છે કે નિષ્ફળતા વગર સફળતા શક્ય જ નથી કેમ કે તમારા જીવનના સંધર્ષમાં ક્યાંક ને ક્યાંક એક એવો વળાંક આવે છે કે જ્યાં આપણે સફળતાનું એક પગથિયું ચુકી જતાં હોઈએ છીએ. પરંતુ તમારી નિષ્ફળતા બીજા તમને જોનારા વ્યક્તિઓ માટે હોય શકે પરંતુ તમારા માટે એ સફળતા તરફ જવાનો માત્ર એક એવો રસ્તો છે જે અસરકારક સાબિત ન પણ થાય, પણ વારંવાર નિષ્ફળ થવા છતાં જે વ્યક્તિ પ્રયાસ કરવાનું છોડતો નથી, ખરેખર એ વ્યક્તિ ત્યાંજ અડધી સફળતા તો પ્રાપ્ત કરી લેતો હોય છે, કારણકે યાદ રાખજો,
“ નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે ”
આપણે જો સફળ લોકો નો ઈતિહાસ જોઈએ તો એમાં નિષ્ફળતાની વાતો વધારે છે પણ તેમણે હાર માન્યા વગર પ્રયત્ન કરયા કર્યા છે. સફળતા કોઈના માટે પણ ચમત્કાર નથી. દરેક મહાન અને સફળ વ્યક્તિની પાછળ ઘણા બધા નિષ્ફળ પ્રયાસો છુપાયેલા હોય છે અને અંતે તેની મહેનત અને સફળતા તેના દરેક નિષ્ફળ પ્રયાસોને ઢાંકી લે છે. જેમ કે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના ઉપરાઉપરી પરાજયો મળવા છતાં હિંમત હાર્યા વગર જંગ જારી રાખ્યો ને છેલ્લે પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા માટે જયારે અસફળ થઈએ ત્યારે માણસે પોતાનામાં આત્મવિશ્વાસ સાથે અચલ શ્રદ્ધા રાખવી પડે છે. પણ જયારે બધું જ તમારી વિરુદ્ધ જતું લાગે ત્યારે આવો વિશ્વાસ, ધીરજ અને આવી શ્રદ્ધા ટકાવી રાખવાનું માણસ માટે મુશ્કેલ બની જાય છે અને નિષ્ફળતા મેળવે છે. પણ આત્મહત્યાએ નિષ્ફળતાનો ઉકેલ નથી. તમે તમારી નિષ્ફળતાનું કારણ જાણો અને એને સુધરવાની કૌશિશ કરો.
નિષ્ફળતાના કારણો-
લક્ષ્યની ખામી, અહંમ, અસફળતાનો ડર, અપૂરતો આત્મવિશ્વાસ, અવિનમ્રતા, કામ કરવાનો આળસ કે વિલંબ, જવાબદારીની અક્ષમતા, નાણાકીય અસુરક્ષા, ધગશનો અભાવ, તાલીમ નો અભાવ, કાયદા-કાનુનના નિયમનો અભાવ, બીજા પર વધારે પડતો વિશ્વાસ, કામની ઓછી સમજ, સલાહ -સૂચનનો અભાવ, નફા-ખોટની ઓછી સમજ, સાહસ અને હિંમત નો અભાવ, હેરક વસ્તુમાં જલ્દી, લાલચ અને સ્વાર્થ, કોઈ નીતિમતા નહીં, યોજના અને પ્રયત્નનો અભાવ, કામનું પ્રાધાન્ય નહીં, તકની ઓળખનો અભાવ, જ્ઞાનનો અભાવ, કોઈ કામ માં શિસ્ત અને મૌલિકતા નહીં, અંધ શ્રદ્ધા વગેરે.
જેમ કે આપણે ઘણી વખત બીજાની સફળતા જોઇને ગેરમાર્ગ તરફ વળી જતાં હોઈએ છીએ કારણકે આપણામાં ધીરજ નથી હોતી અને જલદીથી હારી જઈએ છીએ, આત્મહત્યા કે અંધશ્રદ્ધામાં પડી જઈએ છીએ. માટે કોઈ માણસે કદી એવું માનવું નહીં જોઈએ કે પોતે ખલાસ થઇ ગયો કે બરબાદ થઇ ગયો. અને હવે કશું મળવાનું જ નથી. ખરેખર દુનિયામાં હરાવી ગયેલા માણસો થોડા હશે પણ મોટા ભાગે તો જાતે હારી ગયેલા અને હાર કબુલીને બેસી ગયેલા માણસો ઝાઝા જોવા મળે છે. ઘણાં હાર કબુલીને સફળતા માટે અતુટ અંધશ્રદ્ધા તરફ વળી જાય છે. ગલ્લા-તલ્લાં કરવાથી કે આમ તેમ ભટકવાથી કાંઈ પ્રાપ્ત થશે નહીં. બીજાના અથવા તાંત્રિક અસુરોના ભરોસે રહ્યા તો નિરાશા જ મળશે.
“કરે છે કામ નિષ્ઠાથી, તેની મહેનત ફળે છે,
નસીબને દોષ દેનારા જ, જ્યાં ત્યાં આફ્ળે છે.”
નિષ્ફળતા નો ઉકેલ-
તમે સફળતા મેળવવા માટે આત્મહત્યા કરવા કરતાં ક્યાં ખોટું પગલું ભર્યું છે એ જાણો, ન સમજણ પડે તો કોઈ શિક્ષિત વ્યક્તિની સલાહ-સુચન લો. ક્યાં ક્યાં ભૂલો કરી એની નોંધ લો, એને સુધારવાની કૌશિશ કરો. પોતાનામાં શ્રદ્ધા અને ધીરજ રાખી ફરીથી હાર્યા વગર સાચી દિશામાં પ્રયત્ન કરો. કોઈપણ વ્યક્તિ આપને રસ્તો બતાવી શકે છે, પરંતુ તેના પર ચાલવું અને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવોએ માત્ર આપણા હાથની વાત છે. જેમ કે અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જૈક મા 3૦ કંપનીઓમાંથી રીજેક્ટ થયા, તેમ છતાં આજે દુનિયાના ધનિક વ્યક્તિમાંથી એક છે. જૈક મા ને કોમ્પ્યુટરની કોઈ ખાસ જાણ નથી. પછી પણ તેમણે ઓનલાઈન બિજનેસ શરૂ કર્યો. માટે લક્ષ્ય પર પુરુષાર્થ કરો. સફળતા જરૂર તમારી સાથે હશે. જેમ સૌ કોઈ જાણે છે કે, રાઈટ બ્રધર્સ જયારે આકાશમાં ઉડાવનાર યંત્ર લોકોને સફર કરાવી શકે એવો વિચાર પ્રગટ કરતો પત્ર જયારે ગવર્મેન્ટને આપ્યો ત્યારે તેના વિરોધમાં ગવર્મેન્ટેએ પત્રનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ‘આ માણસ પાગલ છે’ આવી કોઈ જ વસ્તુ બની જ ના શકે, પરંતુ રાઈટ બંધુએ હાર ન માની અને દુનિયાને સાબિત કરી દીધું કે આ વસ્તુ શક્ય છે. માટે આપણું પોતાનું મન સાબૂત હોય તો બીજા કોઈનો ચુકાદો આખરી બની જતો નથી. યાદ રાખવા જેવું છે કે, આપણી પોતાની શક્તિ દ્વારા જ સફળતા સુધી પહોંચી શકાય છે.
“ભૂલ થવી કુદરતનો ક્રમ છે,
તેનાથી ગભરાશો નહિ;
મુશ્કેલીઓ આવે એ તો માનવનો ક્રમ છે,
તેથી રુકશો નહિ”.
મહેનત કર્યા વગર કોઈપણ સફળતા નથી મળતી અને કોઈ પણ સફળતા સમસ્યાઓને પર કર્યા વગર મળતી નથી. આપણે આપણી સમસ્યાઓથી ક્યારે પણ ભાગી જવાનું નહીં પણ નીડરતાથી એમનો સામનો કરવાનો. જેમ સફળ લોકો પોતાનાથી જ હરિફાઇ કરે છે તે પોતાની જીત માટેની વિગતો અને સમસ્યાઓથી અને હરેક વખતે નવા સુધાર અને પ્રયત્નોથી સફળ થાય છે. સફળતા માટે કેટલીવાર આપણે જીત કરતાં કેટલી વખત આપણે હાર્યા અને પાછા ઊભા થઇ કેટલીવાર જીત માટેના પ્રયત્નો અને સુધારા કર્યા એ મહત્વનું છે. ટોમ વોટસન કહે છે કે, “સફળ થવું હોય તો તમારો નિષ્ફળતાનો દર વધારવો પડે”. જેમકે થોમસ એડીસન ૧૦,૦૦૦ વખત નિષ્ફળતા મેળવ્યા પછી એક લાઈટ બલ્બ બનાવી શક્યા.
માણસ જેને નિષ્ફળતા ગણે છે- પરાજય ગણે છે તે ઘણાં બધા કિસ્સામાં છેવટની નિષ્ફળતા હોય શકે છે. પણ માણસે પુરેપુરી લડત આપ્યા વિના જ જંગ છોડી દીધો હોય છે. આપણે પરાજયની શક્યતાથી એટલા બધા ડરી જઈએ છીએ કે, તેની કલ્પના માત્રથી એટલા ભયભીત થઇ જઈએ છીએ કે પરાજય વેઠવા કરતાં રમતને ‘ડ્રો’ માં જવા દેવાનું પસંદ કરીએ છીએ. ‘ડ્રો’ માં દોરી જઈને આપણે આશ્વાસન લઈએ છીએ કે આપણે પરાજયને ટાળી દીધો. હકીકતે આ રીતે કેટલીવાર આપણે વિજયનો મોકો ગુમાવ્યો હોય છે. જેમ કે દોડવાની રેસમાં જીતેલો પહેલા નંબરનો એથ્લેટ બે સેકેન્ડ થી આગળ હોય કે થોડાક પૂર્ણાંક માટે પણ જીત ડબલ ધણી પ્રાપ્ત કરે છે. આજ નિયમ આપણી સફળતા માટે પણ છે આપણને લાગે છે કે સફળ લોકો આપણાથી ૧૦ ઘણા આગળ છે પણ...... ના......એ આપણા કરતાં થોડાક અંશ કે સેકન્ડ કે પોઈન્ટ થી જ આગળ હશે માટે આપણે આપણા ક્ષેત્રમાં ૧૦૦૦% સારા નથી થવાનું પણ આપણે ૧% સુધાર લાવવાનો છે ૧૦૦૦ અલગ અલગ વિસ્તારમાં, વધારે મહેનત કરવાની છે જે વધારે સરળ છે, એ જ સફળતાની ચાવી છે. મનુષ્યના જીવનમાં ખરી કીંમત સફળતાની નથી પણ ખરી કીંમત સાચા સંગ્રામની છે. સફળતા તો આવશે તે કુદરતને નક્કી કરવા દો. કુદરતની પોતાની એક યોજના છે તેમાં તમારી હાર કે જીતનો જે ચોક્કસ હેતુ હશે એ પરમ હેતુ અનુસાર તમારી હાર કે જીત નક્કી થશે. તમારો જંગ તમારે બરાબર ખેલવાનો છે. ગમે તેમ કરીને જીતી જ જવું છે તેવી ગણતરીથી, એવા ઝુનુનથી લડવા જેવું નથી. જેમ દાખલાનો સાચો જવાબ મેળવવા માટે જેઓ ગણિત ના દાખલામાં ગમે તેમ પદ ગોઠવીને તલમેલીયો જવાબ કાઢે છે તે ઘણું ખરું ખોટા જ નીકળે છે. એના કરતાં દાખલાની સાચી રીતને વળગી રહેવાનું જ યોગ્ય હોય છે. સાચા કે ખોટા જવાબ કરતાં સાચી રીતનું મહત્તવ વિશેષ છે. આમ જીતનારા, હાર કે નિષ્ફળતાને જીવનનો અંત નથી માની લેતા પણ તેમાંથી કઇંક બોધપાઠ લઇ અલગ પદ્ધતિથી ફરીથી કામ ચાલુ કરી દેતા હોય છે. અને સફળ થયા પછી લોકો પ્રયાસો કે મહેનત નથી છોડતાં કેમ કે સફળતા મેળવવા કરતાં સફળતા ટકાવી રાખવી વધારે કઠિન હોય છે. યાદ રાખજો મિત્રો, સફળતા ક્યારેય હાથની રેખાઓ બતાવીને નહીં પરંતુ હાથની રેખાઓ મિટાવીને જ મળે છે.
શર્લી વિલિયમ્સે કહ્યું છે કે, “દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે”. જીવનમાં નિષ્ફળતા મળે એટલે, ગભરાવું ના જોઈએ, નિષ્ફળતાથી જ સફળતાના શિખરે પહોંચી શકાય છે. પાનખરમાંય વૃક્ષ જો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, કાંટાની વાડ પર બેસીનેય કોયલ જો ટહુકી શકે છે, કાજળ જેવી રાત્રિ વચ્ચે તારાઓ જેમ ટમટમી શકે છે તેમ અનેક ઉપાધિઓ વચ્ચે દૃઢ મનનો માનવી શ્રદ્ધા રાખી સફળતાના શિખરે પહોંચી શકે છે. માટે જ કહ્યું છે કે,
“ Failure is the step towards success”
Vvvvvv nice article 👌Kajol👍