top of page

"ચાલોને જરા સ્વભાવ બદલીએ"


"પ્રભાવ સારો હોય એના કરતાં સ્વભાવ સારો હોવો જરૂરી છે"



આપણો સ્વભાવ જ આપણા ડિપ્રેશન કે હતાશા નું કારણ નથી ને?.


સામાન્ય માન્યતા એવી છે કે, માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં આ બંને હોવા છતાં પણ ધણા મનુષ્યો સતત માનસિક અસંતોષથી જ જીવતા જણાય છે. કદાચ આપણી માનસિક અશાંતિ કે હતાશા નું કારણ આપણો સ્વભાવ જ નથી ને? આપણે આ અશાંતિ કે અસંતોષને જાતે જ દૂર કરવા શક્તિમાન છીએ, કારણ કે સ્વભાવ તે આપણા કાબુની વાત છે અને આપણે આપણા સ્વભાવને બદલી શકીએ એમ છીએ. છતાં આપણે આપણો સ્વભાવ બદલાતા નથી. કારણ કે આપણ ને એવા નકારાત્મક વલણની આદત પડી ગઈ છે કે આપણે સારો બદલાવ લાવવા પણ ઈચ્છતા નથી.જેમ કે કોઈ કેદી ને વર્ષો પછી જેલ માંથી રજા મળે અને જયારે એ બહારની પ્રકાશની દુનિયામાં આવે ત્યારે એનાથી આ વાતાવરણ અસહનીય થઈ જાય છે. એની માટે જેલ જ સુરક્ષિત છે, એવું એને લાગે છે.


નકારાત્મકતા ધણા લોકોના જીવનનો એક મોટો હિસ્સો બની ગયો છે જેને લીધે ધીમે-ધીમે આવા લોકો એમની નકારાત્મકતાનાં વર્તુળમાં ધેરાઈને જિંદગીમાં એકલા રહી જાય છે. અને પોતાની નકારાત્મકતા અથવા ડીપ્રેશન માટે આખી દુનિયા, પરિવાર, મિત્રો.... ને જવાબદાર માનવા લાગે છે.


આ નકારાત્મકતા જન્મે છે ક્યાંથી? આ સ્વભાવ સાથે જ આપણે જન્મયા હતા?


મોટાભાગના લોકો બાળપણથી જ આવી નકારાત્મકતા માં ઉછેરતા હોય છે. ભાઈ-બહેનો સાથે થતી સરખામણી કે પરિવારમાં થતી લડાઈ, મોટા અવાજે દબડાવવું, ધમકાવવું કે નકારવું વગેરે.....આવું વાતાવરણ નાનપણથી જ નકારાત્મકતા ના બીજ રોપે છે. આપણા સમાજમાં આપણને આવા લોકો મળતા હોય છે. આવા લોકોને દરેક બાબતમાં અસંતોષ કે નકારાત્મકતા હોય છે. જે કંઈ મળે તે તેમને ઓછું પડે છે. આવા લોકો ને દૂધમાંથી પોરા કાઢવાની ટેવ હોય છે, કોઈપણ માણસની ખરાબ વાતમાં એને વધારે રસ હોય છે. આવા સ્વભાવને કારણે લોકો તેમેને આવકારવાનું બંધ કરી દેતા હોય છે, છતાં પણ આપણે આપણો સ્વભાવ બદલતા નથી. આપણે જ આપણા મોટા દુશ્મન છીએ. જેથી આવા નકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિને દોસ્ત, નોકરી, લગ્ન કે સંબંધો જાળવવામાં મુશ્કેલી આવતી હોય છે. તેઓ બધે જ નકારાત્મક વાતાવરણ ફેલાવતા જાય છે. અને આવા સ્વભાવને કારણે તે લોકોમાં એકલતા, બ્લડપ્રેશર, ગુસ્સો, નિરાશા, વાતે- વાતે દુઃખી થવું વગેરે, જેવી બીમારી જન્મ લે છે અને જિંદગી નીરસ લાગવા લાગે છે. આ બધા દુઃખવર્ધક વ્યસનો છે. એવી વિચારધારાને કારણે માણસના અર્ધજાગૃત મનમાં નેગેટિવ પ્રોગ્રામિંગ થઈ જાય છે. માટે માણસે સુખી થવું હોય તો હંમેશા પોઝિટીવ - સારા વિચારો કરવા જોઈએ.

ક્યાં પ્રકારના સ્વભાવો છે જે આપણને નકારાત્મક બનાવે છે?

  • અસંતોષ

  • નિરાશા

  • ઈર્ષા

  • ચિંતા

  • ડર

  • અહંમ

  • અપેક્ષા

  • અવિશ્વાસ

  • ગુસ્સો.... વગેરે.


મિત્રો, આપણે હકારાત્મક સ્વભાવ ના કઈ રીતે બનશું?

આપણા કુલષિત મનને ધોઈને રીફાઇન કરી નવેસરથી હકારાત્મક વિચારોની સ્થાપના કરવાની જરૂર છે. જેમ સુંદર સાથિયો પૂરતા પહેલાં ઓટલો વાળી-ઝૂડીને સાફ કરવો પડે છે. તેમ મનભીતરના શુભ સંકલ્પોને સાકાર કરવા માટે નિત્ય પ્રયત્ન કરી, તે પ્રમાણે જીવવું જરૂરી છે. જેમ દરેક રાતને એક સવાર હોઈ છે અને હરેક સાંજની પાછળ એક રાત આવે છે. જીવનનાં સુખ-દુઃખો પણ રાતદિવસ જેવી હકારાત્મક વિચારધારા છે. આવે છે અને જાય છે પણ મનુષ્યએ ક્યારે પણ ડગમવું નહીં. માણસ જીવનમાં જયારે દુઃખનો દરિયો તરી જાય છે પછી ક્યારે પણ ડીપ્રેશ કે હતાશ બની કોઈ ખોટું પગલું ભરતો નથી.


તો ચાલો મિત્રો, આપણે સ્વભાવ માં હકારાત્મક બનવા માટે થોડા સંકલ્પો કે પ્રતિજ્ઞા કરીએ. જેમકે,


સૌથી પહેલાં, ચાલોને સ્વભાવ બદલીયે- મનમાં હકારાત્મક વિચારો ને અપનાવશું તો આપણું મન કોઈપણ ડીપ્રેશન ને હરાવી, જીવનને ખુશીઓથી ભરીને આગળ વધી શકશે. જે માણસ પોતાના સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગી ના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે. એવી જ રીતે પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પણ પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.


તમારા સારા વ્યક્તિત્વને ચિત્રો- તમે ખુબ નબળા અને અન્ય કરતાં ઊતરતા છો એવું મનમાં લઇ, તમારા મનમાં તમારા વિશે નબળી છબી ફીટ કશો નહીં. કહે છે કે, "જેવું વાવે તેવું લણે". તમે જેવું વિચારશો તેવા જ બની જશો. યાદ રાખો તમારે સ્વહસ્તે જ તમારું સુંદર ચિત્ર દોરવાનું છે. " એ મેન ઈઝ આર્કીટેક્ટ ઓફ હીઝ ઓન ફ્યુચર ". જેથી તમને તમારા વ્યક્તિત્વને જોઈને આનંદ થશે અને એવા બનવાની કોશિશ કરશો.


તમારા વિચારોને લખો- જીવન માં ગમે તેટલાં દુઃખો આવે કે નિષ્ફળતા મળે અમે કદી હિંમત હારીશું નહીં, કેમ કે કુદરતે એવી કોઈ રાત્રિ નથી ધડી જેના ભાગ્યમાં સૂર્યોદય ન હોય. માટે એક આશા સાથે તમને જે પણ સારા-નરસા વિચારો આવે એને લખો અને સમય સાથે હકારાત્મક રીતે એને બદલવાની કોશિશ કરો.


સારા પુસ્તક વાંચો- જીવન જીવવામાં રસ જાગે, પ્રેરણાદાયી કે તમને ગમતા પુસ્તક વાંચો. મહાન વ્યક્તિઓના ચરિત્ર, આત્મકથા કે જેનાંથી તમે પ્રેરિત થઇ સાચી દિશા તરફ વળો.


વર્તન બદલો- બધાં તમને દગો દઈ રહ્યાં છે, તમારું ભાગ્ય બહુ ખરાબ છે. તમે કદી સફળ થઇ શકવાના નથી. એવું વિચારવાને બદલે તમે ખુબ ભાગ્યશાળી છો અને જરૂર એક દિવસ સફળ થવાના છો એવા શુભ વિચાર કરો. તમારી અણગમતી પરિસ્થિતિમાં તમારા રોજના એક સરખા વર્તન ને સારી દિશામાં બદલો. જેમકે પત્તાની રમતમાં પાનું પસંદ કરવાનો તમને કોઈ અધિકાર નથી...પણ આવેલા પાનાઓમાંથી કયું પાનું, ક્યારે ઉતરવું એ આપણા હાથની વાત છે. એવી જ રીતે.. જીવન માં સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી... પણ આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તો આપણા હાથની વાત છે. તમારા વર્તન બદલવાની કોશિશ જ તમને હકારાત્મક દિશામાં લઈ જવા માટે મદદરૂપ થશે.


નિયમિતતા ને બદલો- તમારી રોજની નિયમિતતા ને બદલો. રોજ જે ગલીથી આવ-જાવ કરો છો તે બદલો, રોજ મોડા ઉઠો છો તો વહેલા ઉઠો, રોજ જે કાર્ય કરો છો એનાથી અલગ તમારું ગમતું કાર્ય કરો. રોજ મળતી નકારાત્મક વ્યક્તિઓથી દૂર રહો. જેનાથી તમારું મન જે રોજ એક સરખા નકારાત્મક વિચારો થી હકારાત્મક દિશામાં વિચાર કરતુ થશે.


ગમતું નવું શીખો- તમારી રોજ ના કાર્યથી કાંઈ અલગ શીખો. અલગ- અલગ ક્ષેત્રમાં જેમાં તમને રસ છે એ શીખો. એમાં આગળ વધવાની કોશિશ કરો તો તમારી વિચારધારા બદલાશે, જેનાથી તમને નવા વિચારો આવશે જે તમને અંદરની ખુશી આપશે અને ખોટા વિચારોથી દુર રાખશે.


પ્રવૃત્ રહો- નવી નવી પ્રવૃત્તિ કરો પણ નવરા ના બેસો, જેથી ખોટો વિચારો નહીં આવે. એવી વ્યક્તિઓ સાથે પ્રવૃત્તિ કરો જે તમારા જ ગમતા ક્ષેત્રમાં બહુ હોશિયાર હોય કે બીજા ક્ષેત્રમાં એની માસ્ટરી હોય. જેનાથી તમે એ લોકો સાથે રહી નવું શીખશો, નવું વિચારતા થશો. તમે સાથે રહીને તમારી ક્ષમતાને જાણશો. એવી વ્યક્તિને પણ મળો કે જેને મળવાથી તમને આનંદ પણ થાય અને મન ઝૂમી ઊઠે.


સુંદર-પ્રેરણાદાયી જગ્યાએ જાવ- જેમકે રોજ ઓફીસની કેન્ટીનમાં જમતા હોવ તો નવી જગ્યાએ જાવ, રોજ એક જ જગ્યાએ ચાલવા જાવ એની કરતાં બીજી જગ્યાએ જાવ. જ્યાં સુંદર- મનમોહક વાતાવરણ, એ જગ્યાની કારીગીરી કરેલી ડીઝાઇન, વગેરે. જેનાથી તમને જીવવાની પ્રેરણા મળશે કે દુનિયા કેટલી ખુબસુરત છે.


આશાવાદી બનો- પોતાનામાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખી હકારાત્મક વલણ રાખી હાર્યા વગર સતત પ્રયત્ન કરશો તો ડીપ્રેશન માંથી જરૂર બહાર આવશો.


સત્સંગ કરો- સંત ના પ્રવચનો સાંભળો, સારા જ્ઞાનરૂપી વેબિનારમાં જાઉં. સારા વ્યક્તિત્વવાળી વ્યક્તિને મળો એને જુઓ, એમાંથી તમને જે ગમે તે શીખવાની કોશિશ કરો.

જો તમે સતત હકારાત્મક સ્વભાવ માટે કોશિશ કરશો તો તમને ધણા બધા લાભ થશે, જેવા કે


1. ચારે બાજુ ખુશી દેખાશે.

2. બધા સાથે સારા સંબંધ રાખી શકશો.

3. વ્યક્તિત્વ સારું જાણશે.

4. તણાવ-નિરાશા ઓછી જણાશે.

5. લોકો તમને પસંદ કરશે.

6. તમે તમારા પ્રશ્નો હલ કરી શકશો.

7. ઓફીસ, ધર, મિત્રો તમને બધા માન આપશે, સારી રીતે વાત કરશે.

8. તમારી ક્ષમતાને તમે જાણશો.


તમે શ્રેષ્ઠ છો- ઈશ્વરે આપણને ધણી બધી ક્ષમતા આપી છે. આપણે બધાં નિષ્ફળ જવા સર્જાયા નથી. ક્યારેક  સફળ તીરંદાજોનું પણ કોઈ તીર નિષ્ફળ જાય છે,  તેથી ભવિષ્યમાં તે સફળ ન થઇ શકે તેવું બનતું નથી. દરેક માણસે પોતાની જાતને  ક્ષેષ્ઠ સંતાન ગણવું જોઈએ. જો આપણે હકારાત્મક રીતે વિચારશું તો આપણને આપણી ક્ષમતા સમજાશે. અને ત્યારે એવું લાગશે કે આપણી જિંદગી કેટલી કિંમતી છે જેનું મુલ્ય કોઈ આંકી શકાતું નથી, પણ લોકો એની કિંમત એના વિચારો, ભણતર, માન્યતા, એની મહત્વાકાંક્ષા , જરૂરીયાત, જોખમ લેવાની તાકાત, આ બધા પરથી આંકે છે પણ આપણે ડરવું નહીં. પણ આપણી જાતને અસક્ષમ ગણવી નહીં. આપણે આપણા ક્ષેત્રમાં ક્ષેષ્ઠ છે એમ માંનીને ચાલશું તો આપણે ડીપ્રેશન માંથી બહાર આવી શકશું.


શ્રેષ્ઠ મિત્રો બનાવો- એવા મિત્રો જે તમારી વ્યથાને સમજે, જાણે, સાચું માર્ગદર્શન આપે, સાચી દિશા બતાવે. જિંદગીમાં એક ભગવાન શ્રીકૃષ્ણ જેવો મિત્ર કે સારથી હોવો બહુ જરૂરી છે. માટે જયારે મન વિચાર વમણ કે ચકરાવે ચડે કે મન બહુ જ દુઃખી હોય ત્યારે આવા મિત્રોને મનની વ્યથા દિલથી કહો તો વ્યાકુળ મન શાંત થઈ કોઈ ખોટું પગલું ભરતા અટકાવશે. મિત્રો ને ફોન કરી તરત જ બોલાવો, ફોન ન ઉપાડે તો અર્જન્ટનો મેસેજ નાખી દો. અને ત્યાં સુધી તમારા દુઃખી ચિત્તને તમારી ગમતી ચીજ કે ભગવાન નું નામ લેવામાં કેન્દ્રિત કરવાની કોશિશ કરો. પણ કોઈ આપઘાત કે સુસાઇડ કરવાની કોશિશ ન કરો. કહેવાય છે કે, " ઓરડામાં એકાદ ચિત્ર હોયએ પુરતું છે પણ જીવન માં એક સરસ મિત્ર હોવો જરૂરી છે."


કાઉન્સીલીંગ કરવો- ક્યારેક ડીપ્રેશન વધારે હોય અને તમે તમારો પ્રોબ્લેમ કોઈને કહેતા અચકાતા હોવ અને કોઈ જ રસ્તો ન દેખાતો હોય ત્યારે કાઉન્સીલીંગ કે કોઈ ડોકટરની મદદ કે સલાહ જરૂર લો. પણ કોઈ ખોટું પગલું ભરતા નહિ જેમ કે આપઘાત, ગોળીઓ ખાઈ લેવી, રૂમમાં પુરાઈ રહેવું, કોઈ સાથે બોલવું નહીં... વગેરે .



આ બધી મુશ્કેલીઓનું સમાધાન છે, માટે અંત સુધી હારશો નહિ. ધણીવાર ઝુડાની છેલ્લી ચાવી તાળું ખોલી આપે છે. માટે નકારાત્મકતા સ્વભાવમાં લાવશું તો જીવતર પણ નરક જેવું લાગશે અને હકારાત્મકતા સ્વભાવ થી વિચારશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે. આપણે શું કરવું છે એ આપણા હાથ માં છે. પણ કોઈ આપઘાત કે સુસાઇડ જેવું પગલું ન ભરો. આપણી જિંદગી આપણી માટે જેટલી કિંમતી છે એટલી જ આપણા પરિવાર માટે પણ છે. દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જેનું નિરાકરણ ન હોય.


"આશા અમર છે"

Opmerkingen


bottom of page