વેદમાં ઝાંખા ઝાંખા અવતારવાદ ના ઉલ્લેખો મળે છે, પણ એક અવતારવાદ ના સિદ્ધાંતનો સ્પષ્ટ અને નિશ્ચયાત્મક સૌથી પહેલા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમજાવવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો જે પરિચય થયો છે તેના વિશે થોડો વિચાર કરીએ,
ભગવાનનો અવતાર અને સામાન્ય માણસનો જન્મ, એ બે માં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય અને ભગવાનનો અવતાર કહેવાય છે. અવતાર એટલે અવૃત- (નીચે આવતું તે). જે ઊંચા ક્ષેત્રમાંથી નીચે અવતરવું, તેને અવતાર કહે છે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વમાં , એક નિશ્ચલ સ્થિતિમાં, નિરંજન, નિરાકાર સ્થિતિમાં સ્થિત છે. આ પૃથ્વીમાં ઋતુ ની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. ભગવાને પોતે જ ગીતામાં કહ્યું છે કે..... “ યદા યદા હી ધર્મસ્ય,ગ્લાનિભર્વતિ ભારત | અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માંન સૃજામ્યહમ” ||
'જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું’. ભગવાન કૃષ્ણના જન્મમાં અને સામાન્ય મનુષ્યમાં ભેદ એ છે કે મનુષ્ય કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન સ્વેચ્છાથી, લોકોના કલ્યાણ માટે, ઋતુ ની સ્થાપના માટે અવતાર ધારણ કરે છે. આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે. તેમાં કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહ્યો છે. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે, કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે, જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઇ માનવ અવતારમાં થયું નથી. એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે માટે જ તેમને યુગદ્રષ્ટા પણ કહ્યા છે.
ભગવાન કૃષ્ણનો જન્મ કારાગૃહમાં થયો, એ શું બતાવે છે ? ભગવાનનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો. તો એ જન્માષ્ટમી શું બતાવે છે ? તેમના જન્મનું સ્થળ અને જન્મનો દિવસ એ બન્ને આપણને કશોક સંકેત આપે છે. કે દરેક મનુષ્ય પોતે ઉભા કરેલા પોતાના કર્મના કારાગારમાં જન્મે છે, કર્મબંધનમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં જન્મ લીધો અને પોતાની દિવ્યતાનો અનુભવ એક એક વસ્તુમાં કરાવ્યો. કારાગૃહમાં જન્મ એ બતાવે છે કે એમાંથી મુક્ત થઇ જઇ શકાય છે. જો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીએ, માત્ર સ્મરણ જ નહીં, પણ એવું જીવનમાં જીવીએ કે એ જીવ્યા એનું અનુસરણ કરીએ- સત્યમાં, ઋતુમાં, આનંદમાં- તો ભગવાન આપણા માં જન્મ લે છે અને આપણને મુક્તિ આપે છે. ભગવાનનો જન્મ કારાગૃહમાં થયો પછી વાસુદેવ તેમને લઈ જાય છે. યમુના નદી બે કીનારે વહી રહી છે, વરસાદ વરસી રહ્યો છે પણ ભગવાનના ચરણના અંગૂઠાનો સ્પર્શ થાય છે અને નદી શાંત બની જાય છે. આ શું બતાવે છે? ઈન્દ્રિયોનો પ્રવાહ સતત ચાલુ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ- ભયંકર પ્રચંડ પ્રવાહ આપણને તાણી જાય છે. ક્યાંક રૂપ જોયું તો લોભાઈ ગયા, ક્યાં પ્રશંસા સાંભળી તો ફુલાઈ ગયા, નિંદા સાંભળી તો કોપિત થઈ ઊઠ્યા. આ બધા શબ્દ, સ્પર્શ, રૂપ , રસ, ગંધના- જે તન્માત્રાઓ છે એના -પ્રવાહ ચાલુ જ છે. એ પ્રવાહ પ્રચંડ છે, નિમ્નગામી છે; પરંતુ ભગવાનના ચરણનો સ્પર્શ થાય છે ત્યાં શાંત થઈ જાય છે. તમે એનું સ્મરણ કરશો તો એની અનુભૂતિ થશે. કંસના રાજ્યમાં, એની નિકટ માં જ એક આનંદનું ધામ હોય અને તે વૃંદાવન હોય, તે કેવડી મોટી વાત છે ! જે લોકો ચક્રવર્તી છે, સમ્રાટ છે, જેની સત્તા ચાલે છે એનું આ ધામમાં કાંઈ ચાલતું નથી. અને એ ધામ હૃદયમાં જ છે. મારું હૃદય વૃંદાવન છે. હે ભગવાન ! તમે મારી નિમ્નગામી પ્રકૃતિને અટકાવો, એને મંદ કરો અને વૃંદાવનમાં મને લઇ જાઓ. વૃંદાવન ની બાળલીલાઓમાં સ્મૃતિનું રહસ્ય, વેદનું રહસ્ય, કર્મ અને ભક્તિનું રહસ્ય ભરપૂર ભરેલું છે. નંદનું ઘર આનંદમય છે, જ્યારે કંસ નાશ કરનારો છે, વિનાશનો દૂત છે. નંદ આનંદના પ્રતિનિધિ છે. જ્યાં રાક્ષસી ઉપદ્ભવો થાય છે, આસુરી ઉપદ્રવો થાય છે તેનો કૃષ્ણએ કેવો નાશ કર્યો છે. તેની કથાઓ તે તન્માત્રાની કથાઓ છે. જેમકે તૃણાવર્ત નો વધ, નાગદમન ,દહીંમંથન , દાવાનળ પાન વગેરે......
જેમ કે શકટાસુર ની કથા- શકટ એટલે છકડો, ગાડું. ગાડું કાંઈ અસુર હોઈ શકે? તો ગાડું પડ્યું છે, એને કૃષ્ણના નાના પગ લાગે છે અને ગાડું ઉથલી પડે છે. આ શું બતાવે છે? આપણું શરીર એ શકટ છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન-એની નીચે આપણે દટાઈ ગયા છીએ. પણ એને ઉથલાવી મૂકી તો? આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપએ દેહભાવને દૂર કરી દે તો? તો શકટાસુર નો વધ થાય. જે આપણે એના ભાર નીચે જીવી રહ્યા છે આપણે પછી નિર્ભાર બની જઈએ, મુક્ત બની જઈએ.
એવી જ રીતે તૃણાવર્તનો વધ : વંટોળ આવે છે. વંટોળ કાંઈ રાક્ષસ હોય ? હા: આપણા મનમાં ચિંતાનો, ઉપાધિનો, ક્રોધનો, કામનાઓનો વંટોળ ઘૂમે જ છે ને ! જેનો ભગવાન કૃષ્ણ વધ કરે છે.
દાવાનળ પાન : સંસારનો દાવાનળ બાળી રહ્યો છે. ભગવાને એનું પાન કરી જાય છે. આમ ગોપબાળકો સાથે ભગવાને જે કાંઈ લીલાઓ કરી, બાળલીલાઓ દ્વારા, પ્રકૃતિથી વશ કેમ કરવી, પ્રકૃતિના સ્વામી કેમ થવું એ આપણને દર્શાવ્યું છે. દામોદર એટલે કહેવાય છે કે એકવાર તોફાન કરતાં કૃષ્ણ અને યશોદામાએ દામણે બાંધવા પડેલા. યશોદા કૃષ્ણને બાંધવા જાય છે. કૃષ્ણ બંધાતા નથી, બધાં દોરડા ઓછા પડે છે. એને કોણ બાંધી શકે? જે સ્વયં મુક્ત છે એને બસ એક પ્રેમનું બંધન બાંધી શકે. કેવડી મોટી વાત ભગવાને કરી છે ! બાળકૃષ્ણ જુએ છે કે મા થાકી ગઈ છે, હારી ગઈ છે, મા બાંધી શકે તેમ નથી તેની ખાતરી થઈ ગઈ છે; તો પોતે સામે ચાલીને સ્વેચ્છાથી બંધાય છે. “પ્રેમના તાંતણે બાંધી હરિજીએ જેમ તાણે તેમ તેમની રે.........” – દયારામ પ્રેમના તંતુથી પોતે બંધાઈ જાય છે એ અપૂર્વ વાત ભગવાને સમજાવી. કહે છે કે વૃન્દાવનની લીલા જાણવા માટે જ્ઞાની ઓનું કામ નથી, યોગીઓનું કામ નથી, ત્યાં તો પ્રેમી ભક્તોનું કામ છે. પણ ‘મા’ ને પ્રેમ શીખવવો પડતો નથી. પ્રેમનું સામ્રાજ્ય વિસ્તૃત છે. એ પ્રેમના સામ્રાજ્યમાં ભગવાન સ્વયં સામેથી પ્રગટ થાય છે. તે અવતાર ધારણ કરે છે, લીલા કરે છે, મનુષ્યરૂપે આવે છે અને માનવી બની ને માનવીને માનવ ધર્મથી પર લઇ જાય છે.
નાગદમનની વાત કરીએ તો- અહંકારરૂપી નાગ, વિષમય સર્પ, આપણા હૃદય- ધારામાં બેઠો જ છે. એ કેમ વશ થાય? બાળકૃષ્ણએ ધરામાં ઝંપલાવે છે અને નાગની ફેણ ઉપર નૃત્ય કરે છે. મૃત્યુના શિર ઉપર જીવનનું સંગીત બજી રહ્યું છે. આપણે તો મૃત્યુથી ડરીએ છીએ. એનો ભય લાગે છે, વિપત્તિનો ભય લાગે છે. પરંતુ કૃષ્ણ તો ભયનો સ્વામી છે. ભગવાનની જીવન લીલાઓ આપણને મૃત્યુંજય કેમ થવું, મૃત્યુ ની છાયામાંથી કેમ બહાર આવવું એ શીખવે છે. કારાગૃહમાં જન્મ થયા પછી મુક્ત કેમ થવું એ કૃષ્ણ શીખવે છે. આગળ વાત થઇ કે જન્માષ્ટમી નો જન્મ ?એમાં કોઈ સંકેત હશે ને? હા; આઠમું સ્થાન અપરા પ્રકૃતિ નું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ – એ પાંચ અને મન, બુદ્ધિ, અહંકાર એમ આઠ તે અપરા પ્રકૃતિ છે. અષ્ટમી તે અષ્ટધા પ્રકૃતિ દર્શાવે છે. આ વિશ્વ સમસ્ત અષ્ટધા પ્રકૃતિમાં છે. એનો સ્વામી આવે છે અને આપણને અષ્ટધા પ્રકૃતિ માંથી બહાર કાઢે છે. જન્મપત્રિકામાં આઠમું સ્થાન મૃત્યુનું સ્થાન ગણાય છે. આપણે કારાગારમાં છીએ પરંતુ એમાંથી મુક્તિનો રસ્તો આપણને મળતો નથી કારણ કે આપણું અનુસંધાન નથી. ભગવાન કૃષ્ણનું ચિંતન, એને વંદન, એનું સ્મરણ જ્યારે ભાવથી, પ્રાણથી, અંતરતમ ભાવથી, પોતાના અંતરતમ પ્રિય સ્વજનને યાદ કરતા હોઈએ એમ કરીએ તો આજે પણ આ શરીરમાં ભગવાન જરૂર પ્રગટ થાય.
દહીંમંથન ની વાત લઈએ- તો ખરેખર તો ભગવાને ક્યાંય દૂધ ઢોળ્યું નથી, ક્યાંય દૂધની ચોરી કરી નથી. દહીં શા માટે? કારણ કે દહીં એ ચિત્તની મધ્યવસ્થા છે. દૂધમાં આપણે મેળવણ મેળવીએ ત્યારે દહીં જામે. માટલીમાં દહીં હોય અને ઉપર ટાંગ્યું હોય એ ચિત્તની મધ્યાઅવસ્થા છે. આપણું મન સામાન્ય છે તેથી એ દુઃખથી વ્યથિત થઈ જાય છે, સુખમાં અહંકારથી ફુલાઈ જાય છે. એ હાલક-ડોલક થયા કરે છે, એ સ્થિર મન નથી. જરાક વાસણ હલાવો તો દૂધ તો હાલ્યા કરે, પણ આ દૂધ એવું જામી ગયું કે માટલી સાથે માટલી જેવું જ બની ગયું. કોઈ પણ કામને માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. વહેવારની વાતોમાં પણ એકાગ્રતા જોઈએ છે. વહેવારના ગુણો જુદા ને પરમાર્થના ગુણો જુદા એવું કંઈ નથી. વહેવાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વહેવાર કેમ ન હોય , તેમનો જશ – અપજશ, તમારી એકાગ્રતા પર આધાર રાખે છે. વેપાર, વહેવાર શાસ્ત્રશોધન, રાજકારણ, મુત્સદીગીરી ગમે તે લો, હરેકમાં જે સફળતા મળશે તેનો આધાર તે માનવ ની ચિત્તની એકાગ્રતા પર છે. જેમ આપણે આખો દિવસ વહેવારમાં ગુંથાયેલા રહીએ છીએ. દિવસભર ચાલુ રહેલી ઊઠવેઠનો હેતુ શો ? આખરનો દિવસ રૂડો થાય તે સારું બધી તન તોડીને મથામણ કરી હતી. બધી તન તોડીને કરેલી મથામણ, બધી દોડાદોડ છેલ્લો દીવસ રૂડો થાય માટે કરવાની છે. આખો જમનારો કડવું ઝેર પચાવીએ છીએ. શા સારું ? તે છેવટની ધડી, તે મરણ પવિત્ર થાય તે સારું. દિવસની છેવટની ધડી સાંજે આવે છે. તે દિવસનું બધું કર્મ પવિત્ર ભાવનાથી કર્યું હશે તો રાતની પ્રાર્થના મીઠી થશે. દિવસની એ છેવટની ધડી રૂડી નીવડે તો દિવસનું બધું કર્મ સફળ થયું જાણવું. પછી જ મનની એકાગ્રતા થશે. એકાગ્રતાને માટે મનની અને જીવનની શુદ્ધિ જરૂરી છે. એ જ ચિત્તની સ્થિરતા છે, ચિત્તની એકાગ્રતા છે. ચિત્તની મધ્યઅવસ્થા છે. અને જ્યારે ચિત્ત એકાકાર થાય છે ત્યારે દેહભાવ તૂટી જાય છે. પ્રથમ તો આપણું ચિત્ત છે તેને આપણે દહીં ની જેમ સ્થિર બનાવીશું, તો ફોડવા માટે ગોવિંદ જરૂર આવશે જ. પણ જ્યારે દહીં જામ્યું હોય છે ત્યારે. દહીં ક્યારે જામે ? ચિત્ત ક્યારે સ્થિર થાય કે એકાગ્ર થાય ? સ્મરણથી થાય. નિત્ય સ્મરણ કરીએ, પૂજન કરીએ, વંદન કરીએ,એની કથાનું કીર્તન કરીએ, આનંદિત થઈ એ, એના જગતમાં જીવીએ ત્યારે ચિત્ત સ્થિર થાય. “હરિના જન તો મુક્તિ ન માગે માગે જનમોજનમ અવતાર રે નિત દર્શન નિત ઓચ્છવ કીર્તન નીરખવા નંદકુમાર રે........”.- નરસિંહ મહેતા આપણે કારાગારમાં જીવીએ છીએ ત્યાં સુધી આપણે કંસના ગુલામ છીએ. પણ કારાગારના બારણા ખોલી નાખનારો આપણા જીવનમાં પ્રવેશશે ત્યારે આપણને કંસનો ભય, મૃત્યુનો ભય લાગે છે તે ચાલ્યો જશે. ત્યારે આનંદના વૃન્દાવનધામમાં આપણો પ્રવેશ થશે. ચિત્તને સ્થિર કરવા માટે, એને ધાનીધુત કરવા માટે, દહીંની મટકી હોવી જોઈશે. દુધને જમાવવું પડશે. એનું મેળવણ છે નામસ્મરણ. ભગવદ નામનું મેળવણ મેળવો, મેળવણ નાખ્યા પછી આપણે દુધને અમુક સમય એક સ્થાન પર રહેવા દઈએ છીએ. એમ શાંતિથી ભગવાન શ્રીકૃષ્ણનું નામસ્મરણ કર્યા કરવું, એ નામ માંથી નામી જાગે છે, સ્મરણમાંથી સ્વરૂપ જાગે છે અને આપણા જીવનમાં, આપણા મનમાં, આપણા સમગ્ર અસ્તિત્વમાં પરમાત્મા પ્રગટ થાય છે. એવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં પણ કર્મની વાત કહી છે- કે હે અર્જુન, કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ શકે, કર્મ વિના જ્ઞાન આવે જ નહીં, બધું જ છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયો એમ ન કહેવાય. તું જુએ છે કે , હરકોઈ માણસ કંઇક ને કંઇક કર્મ તો કરે જ છે. તેનો સ્વભાવ જ તેની પાસે કંઈક કરાવશે. કર્મ કાર્ય સિવાય એક ક્ષણ પણ જીવી શકાતું નથી . આમ જગત નો કાયદો હોવા છતાં જે માણસ હાથ-પગ ઝાલી બેઠો રહે અને મનમાં અનેક જાતના રાગ દ્વેષ રાખે તે મૂરખ માં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તો એ જ નથી કે ઇન્દ્રિયોને વશમાં રાખીને રાગ-દ્વેષ છોડી, ધાંધલ વિના, આશક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથે-પગે કંઈક કર્મ કરે, કર્મયોગ આચરે. તારે ભાગે આવેલું સેવાકાર્ય - તું ઇન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર. પણ કર્મ કરતાં આટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયના બધા કર્મ લોકોને બંધનમાં રાખે છે યજ્ઞ એટલે પોતાને અર્થે નહીં પણ બીજાને સારું, પરોપકાર સારું ઉઠાવેલો શ્રમ એટલે ટૂંકમાં સેવા. અને જ્યાં સેવાને અર્થે જ સેવા કરાય ત્યાં આશક્તિ, રાગ-દ્વેષ ન હોય, આવો યજ્ઞ, આવી સેવા તું કર્યા કર. જે મનુષ્ય અંતર શાંતિ ભોગવે છે તે સંતુષ્ટ રહેશે તેને કંઈ કરવાપણું નથી એમ કહી શકાય, તેને કર્મ કરવાથી કોઈ લાભ નથી. ન કરવાથી પણ નથી. કોઈને વિશે કઈ સ્વાર્થ તેને નથી છતાય યજ્ઞકાર્યને તે છોડી નહીં શકે. તેથી તું તો કર્તવ્યકર્મ કરતો રહે પણ તેમાં રાગ-દ્વેષ ન રાખ, તેમાં આસક્તિ ન રાખતો. કર્તવ્ય કર્મ કરતો રહે. નિયમ જ એવો છે કે, જેવું સારા અને મોટા ગણાતા માણસ આચરણ કરે તેની નકલ સામાન્ય લોકો કરે છે. શ્રીકૃષ્ણે કહ્યું મને જો, મારે કાર્ય કરીને કયો સ્વાર્થ સાધવાનો હતો ? પણ હું 24 કલાક ખાધા વિના કર્મમાં જ પડેલો છું અને તેથી લોકો પણ તે પ્રમાણે વત્તાઓછા પ્રમાણમાં વર્તે છે પણ જો હું આળસ કરી જાઉં તો જગતનું શું થાય ? સૂર્ય, ચંદ્ર, તારા ઇત્યાદિ સ્થિર થઈ જાય તો જગતનો નાશ થાય એ તો સમજી શકે છે અને એ બધાને ગતિ આપનાર નિયમમાં રાખનાર તો હું જ રહ્યો ના ? પણ લોકોમાં ને મારામાં એટલો ફેર છે ખરો : મને આશક્તિ નથી; લોકો આસક્ત છે, સ્વાર્થને વશ રહી મજૂરી કર્યા કરે છે. તારે તો આશક્તિ છોડીને કર્તવ્ય કરવું જોઈએ જેથી લોકો કર્મભ્રષ્ટ ન થાય અને ધીમે ધીમે અનાશક્ત થતા શીખે. માટે જ કર્મયોગી સામાન્ય માણસ કરતા અલગ હોવા છતાં સામાન્ય દેખાતા હોય છે . સ્વજન સામે યુદ્ધ કરવું પડે છે તે અર્જુનની પીડા હતી. હું ન કરું તો ન ચાલે? સ્વજનોને મારી ને અમે કઈ રીતે સુખી થઇ શકીએ? અર્જુને, કૃષ્ણ ને કહી દીધું – ‘હું નહિ લડું’ ને રથ માં બેસી જાય છે. બધી ચર્ચા, અને અનુભૂતિની વાતો કર્યા પછી કૃષ્ણે અર્જુનને પોતાનો છેલ્લો ફેંસલો સંભળાવ્યો – તું કહે છે કે, હું લડવાનું નથી, પણ તું લડવાનો જ છે. તારો સ્વભાવ લડવાનો છે .આખી જિંદગી તું લડ્યા કર્યો છું. અહીંયા નહીં લડે તો બીજે જઈને લડીશ. આ કારણસર નહિ તો બીજા કારણસર પણ તું લડીશ . એવું કરવા કરતાં અહીં જ લડ ને ? તું તારા સ્વભાવથી બંધાયેલો છું. પ્રકૃતિ તને પરાણે ખેંચીને લઈ જશે . તું લડ, તારે જે કરવું હોય તે કર . તું બિલકુલ બંધાયેલો નથી. આમ પણ તારે કંઈ કરવાનું નથી. મેં બધું પતાવી દીધું છે. તું માત્ર નિમિત્ત છે. માટે હે મનુષ્ય ! જે અનાશક્તિ પૂર્વક કર્મને આશરે છે તેને ઇશ્વર સાક્ષાત્કાર કરે છે.
મને આધ્યાત્મમાં બહુ ખબર નથી પણ હું જે રીતે સમજી છું એ રીતે સંક્ષેપમાં આપની સમક્ષ મૂક્યું છે, એ સાંખી લેવા બદલ હું આપની આભારી છું
Kommentare