"વિદ્યા થી વધતાં સદા, વિનય અને વિશ્વાસ, વિજય વિશ્વમાં પામતાં, વિદ્ધાનો વિખ્યાત"
હવેનો યુગ ‘શિક્ષણયુગ’ છે. આપણે હમેશાં એવું માનતા હોય છે કે આપણને શિક્ષણ કોલેજ, શાળા કે યુનિવર્સિટી માંથી જ મળે છે. ત્યારે મારા મનમાં હમેશાં એક વિચાર આવે છે કે સાચે જ આપણને જે શિક્ષણ મળે છે એ જીવનના ધડતર માટે પરંતુ છે ?......ના...
હાલમાં આપણ ને જે કંઈ પણ ડીગ્રીઓ માટે ભણીએ છીએ એ બધું જ વ્યવ્સ્યાયલક્ષી કે પ્રોફેસનલ શિક્ષણ છે આ પ્રકારનું શિક્ષણ રોજગારી પુરતુ સીમિત છે. આ શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિનો વિકાસ કરવાનો, વ્યક્તિને વ્યવ્સ્યાયમાં નિપુણ બનાવવાનો અને પોતાનો જીવનનિર્વાહ માટે જરૂરી ધન કમાઈ શકે તે રીતે તેને પગભર કરવાનો છે. આ શિક્ષણ વ્યક્તિને સાક્ષર બનાવવા માટે અત્યંત જરૂરી છે. તેમ છતાં કોઈ વ્યક્તિ જીવનભર માત્ર પ્રોફેસનલ શિક્ષણ લઇને બેસી રહે તો સાધન સંપન્ન જરૂર થવાય પણ જીવન ધડતર તો બાકી જ રહે ! જેમ કે કોમર્સનો વિદ્યાર્થી વાણીજ્યવિષયક જ્ઞાનમાં નિપુણ બને, એન્જીનીયરીંગનો વિદ્યાર્થી યંત્રવિષયક જ્ઞાનથી માહિતગાર બને અને સાયન્સનો વિદ્યાર્થી વિજ્ઞાનવિષયક જાણકારી મેળવે. શિક્ષણ આજે એ રીતે જ કામ કરી રહ્યું છે, પરંતુ એમ થવાથી સ્થિતિએ ઉદ્દભવી છે કે વિજ્ઞાનમાં નિપુણ થયેલો વિદ્યાર્થી લાઈફની લેબોરેટરીમાં વારંવાર નિષ્ફળ જાય છે. વાણીજ્યનો વિદ્યાર્થી જીવનના વિષયમાં ખોટ કરતો રહે છે. ઘણાં એવા ઉદારહણો છે કે બિજનેસ મેનેજમેન્ટમાં ગોલ્ડમેડલ મેળવ્યો હોય એવા વિદ્યાર્થીઓ લાઈફ મેનેજમેન્ટમાં સાવ નિષ્ફળ પુરવાર થયા છે.
આજનું શિક્ષણ કેવળ ક્ષુલ્લક માહિતીલક્ષી બની રહ્યું છે તેમાં આમૂલ પરિવર્તન લાવી કંઈક એવું આયોજન થવું ધડે જેમાં વિદ્યાર્થીઓને કેવળ માહિતીલક્ષી નહીં પણ જીવનલક્ષી ભણાવવામાં આવે. કેમકે ભણીગણીને અંતે તેણે સમાજ વચ્ચે જીવવાનું છે એથી એકલી થિયરીથી દહાડો નહીં વળે....લાઈફની લેબોરેટરીમાં અનુભવોના પ્રેક્ટીકલો પણ જરૂરી છે. આજના વિદ્યાર્થીના દિમાગમાં કેવળ પુસ્તકિયું જ્ઞાન ઠુંસાવવામાં આવે છે પરિણામે થાય છે એવું કે પહેલે નંબરે પાસ થતો હોશિયાર વિદ્યાર્થી પણ ધણી બાબતોમાં ડફોળ રહી જાય છે. ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી જીવન વ્યવહારના ગણિતમાં ફુલ્લી નાપાસ થાય છે.
સ્વામી સચિદાનંદજીએ કહ્યું છે ‘ ધણું બધું શિક્ષણ અભ્યાસક્રમોમાં હોતું નથી. શિક્ષકે પોતાના તરફથી તે શીખવવાનું હોય છે અને તે છે સારા સંસ્કારનું શિક્ષણ....શિસ્ત અને સૌઉજ્ન્યપૂર્ણ વ્યવહારનું શિક્ષણ’, માટે જીવન ધડતર વ્યવહારલક્ષી(સંસ્કારીક) કે નૈતિક પણ હોવું ખુબ જરૂરી છે. જેમ લોટરી ખરીદો અને લાગી જાય તો રાતોરાત પૈસાદાર થઇ શકો પણ સંસ્કારરૂપી લોટરી તમે ખરીદી શકતા નથી. પૈસાદાર રાતોરાત થઈ શકાય પણ રાતોરાત સંસ્કારી ન થવાય. સંસ્કારને આવતા પણ પેઢીઓ લાગે અને સંસ્કારને જાતા પણ પેઢીઓ લાગે. માટે ભણતર ની સાથે જીવન જીવવાના મુલ્યો, જેવા કે શિસ્ત, વિવેક, વિનય, નમ્રતા, આદર, દયા કે નૈતિકતા કે માણસાઈ કે ચારીત્ર્યવાન બનવું ખુબ જરૂરી છે. જે જીવનમાં સફળતાના શિખર પર પહોંચવાની ચાવી છે. પણ આજે માણસની ખોપરીની રચના વિશે શીખવવામાં આવે છે પણ એ ખોપરીમાં કેવા વિચારો હોવા જોઈએ તેની કોઈને ચિંતા નથી. જીભની રચના વિશે માહિતી આપવામાં આવે છે, પરંતુ એ જીભ વડે શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ તે વિશે કોઈ શિક્ષક શીખવતા નથી. કોઈ શિક્ષક આજે સિલેબસ છોડીને ભણાવતા નથી કે ગુટકા ન ખાવ....વડીલોને આદર આપો....મહાન માણસોના ચરિત્રો વાંચો....અંધશ્રધ્ધા છોડી, વિવેકબુદ્ધિથી જીવો ! ધરમાં મા-બાપ કે ભાઈ-ભાંડું જોડે સારો વ્યવહાર ન કરતા વિદ્યાર્થિની જવાબદારી શિક્ષકોની નથી. કેમ કે આપણી શાળાઓમાં હ્યુમન રિલેશનના પાઠો શીખવવામાં જ નથી આવતા. માટે જ, જે વ્યક્તિ નૈતિકતા કે વ્યવહારલક્ષી રીતે ભણેલી વ્યક્તિ જીવન માં વધારે સફળ છે એના કરતાં વધારે ભણેલી વ્યક્તિ અનૈતીક મુલ્યોથી જિંદગી જીવે છે એને ‘નાદાર’ કહી શકીએ. જગતમાં જો વ્યવસાયલક્ષી કે પ્રોફેસનલ શિક્ષણ ચાલુ રહેશે તો માણસની પ્રગતિ થવાની જગ્યાએ અધોગતિ થઈ જશે. લોકોનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય, મની માઈન્ડેડ બની જાય અને શિક્ષણ એક બોજ બનીને રહી જાય. પોતાના હોદ્દાનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, બુદ્ધિની તીવ્રતા અને ડીપ્રેશનએ આ વ્યવ્સ્યાયી કે પ્રોફેશનલ શિક્ષણની નબળી બાજુ છે. બોર્ડની પરીક્ષા અને પરિણામ પછી થતા આપઘાતની વાતો કોણ નથી જાણતું? બંને વ્યવસાયીક(પ્રોફેશનલ) અને વ્યવહારીક(સંસ્કારી) કે પ્રેક્ટીકલ શિક્ષણની યોગ્ય માત્રા જ આપણને આ બધા માંથી બચાવી શકશે અને તો જ આપણે પ્રગતિના માર્ગ પર જઈ શકશું.
આજની યુવાપેઢી પાસે બધુ છે માત્ર સુકાન નથી. એમની પાસે જ્ઞાન નું ભંડોળ છે તનનો તરવરાટ છે પણ મનના નક્કર ઈરાદાઓ નથી. વર્તનમાં ગંભીરતા અને ઠરેલતા નથી. પરિપકવતાનો ખાસ્સો અભાવ છે. એમની પાસે યૌવનની મસ્તી છે પણ દીર્ધદ્રષ્ટિ નથી. કપાયેલા પતંગ ગમે તે દિશામાં ધસડાય છે તે રીતે યુવાપેઢી દિશાવિહીન બની ગઈ છે. આ પરથી એક સમજવા જેવી વાત કહું છું- એક નાવિક પાસે પાંચ યાંત્રિક હોડીઓ હતી છતાં પણ એ પોતાના પુત્રને હલેસાં થકી ચલાવવાની હોડીનું શિક્ષણ આપી રહ્યો હતો. પોતાને અપાતી તાલીમનો વિરોધ કરતાં એના પુત્રે કહ્યું, આપણી પાસે પાંચ યાંત્રિક હોડીઓ છે પછી મને હલેસાંવાળી હોડી ચલાવવાનો તમે શું કામ આગ્રહ રાખો છો. તો પિતાએ સરસ કહ્યું, દીકરા જિંદગીમાં કેવું પરિવર્તન, કેવો બદલાવ આવશે તેની ખબર કોઈ નેઈ નથી હોતી. યંત્ર દગો દઈ શકે છે પણ હાથ દગો દેતા નથી. તારે તમામ પ્રકારનાં પરિવર્તનોની શક્યતાનો વિચાર કરી તૈયાર થવું પડે. સમયનું પરિવર્તન માણસની ઈચ્છા પૂછીને બારણે ટકોરા નથી મારતું. જે પ્રતિકુળતા માટે સજ્જ એજ અનુકુળતાના આશીર્વાદ મેળવી શકે. કારણકે પરિવર્તન પ્રકૃતિનો અનિવાર્ય ક્રમ છે.
વ્યવહારલક્ષી ને આપણે જીવનલક્ષી શિક્ષણ પણ કહી શકીએ. આ શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ ‘સંસ્કાર સિંચન’ નો છે. આ પ્રકારના શિક્ષણમાં શિક્ષકો કોણ? આ પ્રકારના શિક્ષણની શરૂઆત કુટુંબથી થાય છે માટે માતા-પિતા, દાદા-દાદી તરફથી નાનપણમાં મળતો સંસ્કારનો વારસો વિદ્યાર્થીના જીવનના ધડતરનો પાયો બને છે માટે કુટુંબના સભ્યોએ આ પ્રકારના શિક્ષણના શિક્ષકો કહી શકાય. માતા-પિતા તરફથી મળતાં નીતિના બોધપાઠો જીવનમાં બહુ મોટું કામ કરે છે. આમાં વળી માતાનો તો મુખ્ય ફાળો હોય. એટલે જ કહ્યું છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’. માટે વડીલો તમેજ તમારા બાળકોના સારથી બનો, એમને સમજો ને જાણો. ઘરમાં એક સભ્યતા, શિસ્ત અને પ્રેમથી ભરેલું વાતાવરણ બનાવો. ત્યારે દાદા-દાદી વાર્તાઓ કહીને બાળકની કલ્પના શક્તિનો વિકાસ જે રીતે કરી શકતા તે આજની કાર્ટુન ફિલ્મોથી થઈ શકતો નથી. અત્યારે દાદા-દાદી ખોવાઈ ગયા છે. પરીસ્થિતિને સહન કરવાની ક્ષમતા, માનસિકતા, શક્તિ એ બધું કુટુંબના વડીલો પાસેથી મળે છે. કમનસીબે આજે સંયુકત કુટુંબની ભાવના મરી પરવારી છે. વ્યવસાયલક્ષી શિક્ષણ વડે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી આપણે તે એટલા આગળ નીકળી ગયા છે કે સંયુક્ત કુટુંબો હવે ટી.વી સીરીયલોમાં જ જોવા મળે છે. ટી.વીના કાર્યક્રમો વર્તન, વ્યવહાર, સંસ્કૃતિ અને પરમ્પરાગત સંસ્કારોમાં ઓળંગી ચુક્યાછે. હવે તો દરેકને એક પ્રાઈવેટલાઈફ હોય છે અને દરેક કપલને સ્વતંત્રતા જોઈએ છે. આ બધાને પરિણામે જીવનલક્ષી અભ્યાસના મૂળ કપાઈ ગયા છે અને જેથી લોકો મા-બાપ કે વડીલોને વૃદ્ધાશ્રમમાં મુકવા માંડ્યા છે એ બુદ્ધિની ચરમસીમા છે. સદાચાર, સદ્દગુણો, શિસ્ત અને સભ્યતા વગર કોઈપણ પ્રકારનું શિક્ષણ અધૂરું છે. જો કુટુંબીજનો દ્રારા વ્યવહારલક્ષી નું વ્યવસ્થિત શિક્ષણ મળે તો જીવનની દીશા બદલાઈ જાય. આવા પ્રકારના શિક્ષણનું કોઈ મુલ્ય આંકી શકાતું નથી.
જીવનલક્ષી શિક્ષણનું બીજું જ્ઞાન 'પુસ્તકો' થી પ્રાપ્ત થાય છે. "પુસ્તક જેવો કોઈ મિત્ર નથી” તથા તેમના જેવો કોઈ સાથી નથી. સારા પુસ્તકનું વાંચન વ્યક્તિમાં ચોક્કસ ચરિત્રનું નિર્માણ કરી શકે. મહાપુરુષોની આત્મકથા, એમનું જીવન ચરિત્ર અને તેમના અનુભવો કેટલાયના જીવન અજવાળી શકે છે. આપણે તેના આપેલા શબ્દોનું આચમન કે આચરણ કરવાનું છે. આ પ્રકારથી પ્રાપ્ત થયેલું વ્યવ્હારલક્ષી શિક્ષણ વ્યક્તિને શાંતિ, આનંદ અને પ્રસન્નતાના માર્ગે લઇ જાય છે. અત્યારે આપણે ટેલીવિઝન તરફ દોટ મૂકી છે તેને પરિણામે પુસ્તકો તરફથી પ્રાપ્ત થતા વારસાથી વંચિત રહી ગયા છીએ. ટેલીવિઝન વ્યક્તિમાં સંસ્કાર સિંચન કરી શકતા નથી એ તો ફક્ત મનોરંજનનું માધ્યમ છે. માટે જીવનમાં ઉંચાઇ પ્રાપ્ત કરવા માટે સારા પુસ્તકોનો સાથ કદાપિ છોડી શકાય નહીં.
વ્યવહારિક જ્ઞાન મેળવવા નો ત્રીજો માર્ગ ‘સંગ’ છે. આપણે ત્યાં ગુજરાતીમાં “જેવો સંગ તેવો રંગ” એમ કહેવામાં આવે છે. ધણીવાર સારા મિત્રો પોતાના અનુભવથી બીજા મિત્રનું સંસ્કાર સિંચન કરે છે. સારા સંગની મનુષ્યના વિચારો પર સીધી અસર થાય છે અને વિચારો જ તો મનુષ્યનું ધડતર કરે છે. સત્સંગ આપણને જ્ઞાન સુધીની ઊંચાઈ આપી શકે તેમ છે. વડીલો, તમે તમારા બાળકોના મિત્ર બનો. તમે તેના સંગ-મિત્ર વિશે જાણો, એમને મળો અને સારા- ખરાબ ની સમજ પ્રેમથી આપો. ખરાબ સંગ જીવનને અધોગતિ તરફ લઇ જાય છે. જેમકે એકવાર ધાતુ પીતળ અને સોનું મળ્યા. પીતળ, સોનાને કહે- તું પણ પીળું અને હું પણ પીળું. જો આપણે બેઉ મળી જઈએ તો લોકો ને શું ખબર પડશે? સોના એ સરસ જવાબ આપ્યો કે ભાઈ, મારું કેરેટ ધટી જાય એનું શું ? માટે આપણે ગમે ત્યાં જઈએ દુબઈ, ગુજરાત કે અમેરિકા આપણું વ્યવહારલક્ષી સંસ્કારરૂપી કેરેટ આછું ન થવું જોઈએ. ઉત્તમોત્તમ સંગ કરીને જીવન ઊદ્ધર્વ બનાવવાની આપણે ઈચ્છા રાખવી જોઈએ. સુસંગએ શિક્ષકનું કામ કરે છે અને જીવનનું શિક્ષણ આપે છે. વ્યવહારિક કે સંસ્કારરૂપી શિક્ષણ આ રીતે કુટુંબમાંથી, સારા પુસ્તકો અને સારા મિત્ર વર્તુળ માંથી પ્રાપ્ત થતું હોય છે.
તાત્પર્ય એટલું જ કે ધણા બધા પાઠ જીવનના દરિયામાં પડ્યા પછી અનુભવે શીખવા મળે છે. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે એવી માહિતી ધરાવતા વિદ્યાર્થીને ઘરના ચાર ખૂણા વચ્ચે રહેતા માણસોના મનના ખૂણાનું ગણિત પણ આવડવું જોઈએ. બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન મેળવવાથી પાણી તૈયાર થાય એટલું ન જાણીએ તો કશું ખાટુંમોળું થઇ જવાનું નથી પણ બે ભાગ બુદ્ધિ અને એક ભાગ માનવતાના મિશ્રણ વિના સંસારમાં પ્રેમનું રસાયણ તૈયાર કરી શકાતું નથી. એટલી સમજ ન હોય તો જીવનની ગાડીમાં વારંવાર પંક્ચર પડે છે. કોઈ મિલ ટકાઉ સાડીનું ઉત્પાદન કરવા માગતી હોય તો તેણે સાડીમાં વપરાતા તાર કાચા ન રહી જાય તેની તાકેદારી રાખવી પડે છે. દેશને મજબુત બનાવવો હશે તો પ્રત્યેક નાગરિક, શિષ્ટ, સંસ્કારી અને સમજદાર હોવો જોઇશે. માટે જ મેં શીર્ષક આપ્યું છે,
“જીવન એક પાઠશાલા”. માનવે પોતાની ની કિંમત વધારવી હશે તો વ્યવસાયલક્ષી(પ્રોફેશનલ) અને વ્યવહારલક્ષી(સંસ્કારી) બંનેને સમાંતર મુલ્યાંકન કરવા પડશે. પછી દુનિયા ની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી નહિ શકે.
વ્યવહારલક્ષી શિક્ષણ વગર વ્યવસાયલક્ષી શિક્ષણ અધૂરું છે. બન્નેનો સમન્વય આપણા જીવનને ઉજાગર કરી શકે છે. નવી શિક્ષણનીતિમાં તે વહેલી તકે સામેલ કરવા જોઈએ. માટે યાદ રહે, માટે જ કોઈએ સાચું જ કહ્યું છે કે,
"દુનિયાની કોઈપણ યુનિવર્સીટી માં જીવન થી ચડિયાતો કોઈ અભ્યાસક્રમ નથી"
Very niceeee👌